મકાબો: એક મીડીયા ટાઉન
[‘Makabo’ means Malad-Kandivali-Borivali. These three towns are now one of the most lively and vibrant suburbs of Mumbai. This article is about prominent journalists, reporters, writers, columnist, broadcasters, authors, poets and media mandarins living and working in Makabo.]
ચર્ચગેટ, રાત્રે 11 વાગ્યે. ચાળીસ વર્ષ પહેલાં:
''આકાશવાણી. આ સમાચાર આપને પ્રમોદ તન્ના વાંચી સંભળાવે છે.'' આજથી ચાળીસેક વરસ પહેલા આ અવાજ મુંબઇમાં રહેતા દરેકે દરેક ગુજરાતી દરરોજ રાત્રે રેડિયો પર કાન દઈને સાંભળતા. પૂર્વ આફ્રિકાના મૂળ ગુજરાતી વતનીઓ માટે ખાસ મુંબઇથી પ્રસારિત થતા આ સમાચાર, મુંબઇમાં પણ અત્યંત માનીતા થયા હતા. રેડિયો એ જમાનામાં એકમાત્ર વ્યાપક પ્રસાર માધ્યમ હતું અને આ સમાચાર આપનાર વ્યક્તિનો અવાજ અને એમની લાક્ષણિક છટા, આ સમાચાર પ્રસારણની લોકપ્રિયતાના મુખ્ય બે કારણો ગણાવી શકાય. પચાસથી સિત્તેરના દાયકામાં, મુંબઇના ગુજરાતીઓની ટેવ બની ગયેલા આ રેડિયો પ્રસારણના ઉદ્ગાતા પ્રમોદ તન્ના કાંદિવલીમાં વસવાટ કરતા અને એમના સાથી નાનાલાલ વસા બોરિવલીમાં રહેતા. આ બંને વ્યક્તિ આજે હયાત નથી પણ એક જમાનામાં એમનો અવાજ પોતાની આજુબાજુમાં કે ઉપનગરની ટ્રેનમાં સાંભળી લોકો એમને મળવા પડાપડી કરતા. કોઈ કલાકાર, અભિનેતા કે નેતા ન હોવા છતાં એમની લોકપ્રિયતા એ જાહેર પ્રસારણ માધ્યમોના મહત્વ વિશે ઘણું કહી જાય છે.
ચર્ચગેટ સ્ટેશનથી દરરોજ રાત્રે 11 કે 11:10ની બોરીવલી જતી ધીમી ટ્રેનના પહેલાં વર્ગના ડબ્બામાં એક ખાસ માહોલ છવાયેલો રહેતો. પ્રમોદ તન્ના અને નાનાલાલ વસા દરિયાપાર વસતા ગુજરાતીઓ માટેના સમાચાર પ્રસારિત કરી પાછા ઘરે જવા આ ટ્રેનમાં પ્રવાસ કરતા. ઉપનગરમાં વસતા પત્રકરો અને પ્રતિષ્ઠિત નાગરિકો આ સમયની આસપાસ ચર્ચગેટ વિસ્તારમાં હોય તો ઘરે પાછા ફરવા અચૂક આ જ ટ્રેન પકડવાનો આગ્રહ રાખતાં. એનું કારણ આ બન્ને ઉદ્ગાતાઓ પાસેથી જાણવા મળતા સમાચારો, માહિતી અને અફવાઓ તથા એમની સાથે કરવા મળતી લાક્ષણિક ગપ્પાંગોષ્ઠી અને ચર્ચાઓ. આ ડબ્બામાં તમે ક્યારેક પ્રવાસ કર્યો હોય તો ગુજરાતી પત્રકાર જગતનાં પ્રતિષ્ઠિત ચહેરાઓ પણ જોવા મળતા. જેમાં મુંબઇ સમાચારના શ્રી દિનેશ રાવળ, જામે જમશેદના શ્રી મનુભાઇ દવે, જનશક્તિના હસમુખ ગાંધી, રમેશ જાદવ, મકરંદ શુક્લ, સંદેશના સુધીર માંક્ડ અને ઉપનગરમાં વસતા અન્ય પત્રકારો સાથે મેળાપ થતો. આમાં ક્યારેક એડવર્ટાઇઝીંગ, રેડિયો અને નાટ્ય જગતના મહારથીઓ પણ જોડાતાં જેમાં ઇન્ડિયન એકસ્પ્રેસના શ્રી રમેશ શાહ અને ક્યારેક ક્યારેક 'અભિનય સમ્રાટ' ઉપેન્દ્ર ત્રિવેદી પણ જોવા મળતાં. આ ટ્રેન અને આ ડબ્બો આજે ઇતિહાસ બની ગયાં છે. સાઠ અને સિત્તેરના દાયકાની આ એક નાની અમથી અદ્ભુત ઘટના છે. આ સમય, આ ટ્રેન અને એક જ ડબ્બામાં ભેગી થતી આવી વિવિધતાભરી વ્યક્તિઓ હવે જોવા મળતી નથી.
રખે કોઈને એમ લાગે કે પ્રમોદ તન્ના અને નાનાલાલ વસા માત્ર શ્રેષ્ઠ ઉદ્ગાતા કે પ્રવક્તા જ હતાં. આ બન્ને સરકારી માધ્યમમાં કામ કરતાં હોવા છતાં અત્યંત નિર્ભીક પત્રકારો હતાં. કટોકટીના સમયમાં લાદવામાં આવેલી પ્રેસ સેન્સરશિપનો આ બન્નેએ ચતુરાઈ અને હિંમતથી અનાદર કર્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના અખબારી સ્વાતંત્ર્યને ગળે ટૂંપો દેવાના પ્રયત્નો સામે ઊભા રહેલાં કેટલાંક ગણ્યાગાંઠ્યા અખબારો અને પત્રકારોમાં વડોદરાના ભૂમિપુત્ર, મુંબઇના જન્મભૂમિ અને ઇન્ડિયન એકસ્પ્રેસની ભૂમિકાની કદર થાય છે. પરંતુ આ બધા મોટા નામો ઉપરાંત પ્રમોદ તન્ના અને નાનાલાલ વસાએ કરેલી વ્યક્તિગત લડત એટલી જ નોંધપાત્ર છે. એમણે આકશવાણીના માધ્યમ દ્વારા લગભગ દોઢ વર્ષ સુધી 1977ની કટોકટી સમયની કૉન્ગ્રેસ સરકારની વિરુદ્ધ અવારનવાર અનેક સમાચાર, અહેવાલો પ્રસારિત કર્યાં હતાં. આકાશવાણી દ્વાર જ સરકારની ટીકા થાય એવું એ સમયે ભાગ્યે જ બન્યું હશે. આ બન્ને સામે, સરકારની આલોચના કરતાં સમાચારો અને અહેવાલો પ્રસારિત કરવા માટે આકાશવાણીએ એક આંતરિક તપાસ સમિતિ પણ નિયુક્ત કરી હતી. પણ આ તપાસમાં બન્નેએ કુનેહપુર્વક જવાબો આપીને પોતે સરકાર વિરુદ્ધ કોઈ પ્રચાર કર્યો છે એવા આરોપોનું ખંડન કર્યું હતું. "અમે માત્ર સમાચાર સંપાદક છીએ અને આકાશવાણી પરથી અમે મહત્વના સમાચારોનું જ પ્રસારણ કર્યું છે" એવું પ્રતિપાદિત કરી બન્ને પોતાની નોકરી બચાવવામાં અને સજાથી બચવામાં સફળ રહ્યાં હતાં.
કાંદિવલી એટલે મીડીયા ટાઉન
કાંદિવલી અને બોરિવલી તથા મલાડમાં પ્રસારણ માધ્યમો સાથે સંકળાયેલી આવી અનેક વ્યક્તિઓએ વસવાટ કર્યો છે. આ દૃષ્ટિએ કાંદિવલીને મીડીયા ટાઉન ગણાવીએ તો એ કંઈ અતિશયોક્તિભર્યું નહિ કહેવાય! કાંદિવલી ટાઉન ઑબ્ઝર્વર શરૂ થયું એના અનેક દાયકા પહેલા અહીંથી ઉપનગર સંદેશ નામનું, આમ તો ચોપાનિયું કહી શકાય એવું સાપ્તાહિક પ્રગટ થતું હતું. એના તંત્રી હતા સ્વ. નેણશી ઘેલાણી. આજના સોના શોપીંગ સૅન્ટર અને સ્ટેશન રોડ પર સ્થિત પાકીઝા સ્ટોર્સની વચ્ચેના ભાગમાં ઘેલાણીનું 'ઉપનગર સંદેશ' એક ભાંગ્યાતૂટ્યા શેડમાંથી હેન્ડ કમ્પોઝ અને ટ્રેડલ પ્રિન્ટિંગ દ્વારા પ્રગટ થતું હતું. આ અઠવાડિકમાં એકલદોકલ સમાચાર અને જાહેરખબર ઉપરાંત માનો યા ના માનો શીર્ષક હેઠળ કાંદિવલીના ભલભલા માંધાતાઓની ખબર લઈ લેવામાં આવતી હતી. માત્ર આ કોલમ ખાતર લોકો એ છાપું વાંચતા. આ અખબાર એ જમાનાના રડ્યાખડ્યા ન્યૂઝ સ્ટૉલ પર પણ જોવા મળતું નહિ. સ્વ. ઘેલાણીનો પટાવાળો જ આ છાપું કાંદિવલીની અગત્યની વ્યક્તિઓના ઘરમાં પહોંચતું કરતો. 'ઉપનગર સંદેશ'નું બીજું મહત્વ એટલે એ સમયની 11માં ઘોરણની પરીક્ષાના પરિણામો. પરીક્ષાના પરિણામો જાહેર થવાના હોય એના આગલા દિવસની રાત્રે જુવાનિયાઓ 'ઉપનગર સંદેશ'ની બહાર લાંબી કતાર લગાડતા. (તે જમાનામાં પરીક્ષાના પરિણામો પહેલા છાપામાં છપાતા અને પછી શાળામાં પરિણામોની નકલ મળતી.) આજુબાજુના અનેક વિસ્તારોમાંથી પણ છોકરાઓ પોતાનું પરિણામ જાણવા 'ઉપનગર સંદેશ' આગળ ધમાચકડી મચાવતા. લગભગ આખી રાત ગોકીરો ચાલતો.
મુંબઇના પરિપ્રેક્ષ્યમાં આમ તો કાંદિવલીનું એ સમયે કોઈ ખાસ મહત્ત્વ નહોતું પણ અહીંના રહેવાસીઓ રાજકીય અને સામાજિક રીતે ઘણા જાગૃત હતા. છાપા વાંચવાનો, સમાચાર સાંભળવાનો અને કોઈ બજારમાં મળી જાય તો છેલ્લામાં છેલ્લી રાજકીય ઘટનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવાનો કાંદિવલીના ગુજરાતીઓનો ખાસ શોખ હતો. એમાંય પ્રમોદ તન્ના, પ્રદીપ તન્ના અથવા વ્રજલાલ વસાણી જેવા પત્રકારો કે સ્વ. મંગુભાઈ દત્તાણી, સ્વ. પ્રીતમલાલ પારેખ અથવા સ્વ. શાંતિલાલ મોદી જેવા રાજકીય નેતાઓ બજારમાં મળી જાય તો ચર્ચાનો રંગ કંઈ ઓર જ જામે અને મંડળી ભેગી થાય તો ક્યારેક સમયનું ભાન પણ ન રહે.
મુંબઇના શીરમોર રીપોર્ટરો
પ્રદીપ તન્ના અને વ્રજલાલ વસાણી કાંદિવલીની પારેખ ગલીમાં રહેતા. આ બંનેએ મુંબઇના દૈનિક 'જન્મભૂમિ'માં પહેલા રીપૉર્ટર, પછી ચીફ રીપૉર્ટર અને છેલ્લે સહાયક-તંત્રી તરીકે સેવાઓ આપી. વસાણીભાઈ આજે પણ નિવૃત્તિની પળો પારેખ ગલીમાં રહીને પસાર કરી રહ્યા છે. જ્યારે પ્રદીપભાઈ શિવાજી રોડ પર ગોકુળ ગૌરવ એપાર્ટમૅન્ટમાં નિવૃત્ત જીવન ગાળે છે. આ બંને ઊંચા ગજાના પત્રકારો હતા અને પત્રકાર જગતમાં હોવા છતાં વ્યક્તિગત લાલચ કે પ્રતિષ્ઠાની ખેવનાથી પર હતા. કોઈપણ પ્રેસ કૉન્ફરન્સમાં રુઆબભેર ભેટસોગાદો લેવાની ઘસીને ના પાડનારા ગણ્યાગાંઠ્યા પત્રકારોમાં બંનેનો સમાવેશ થાય છે. તેઓ નિભિર્ક્તાથી લખતા અને સારી બાબતોની પ્રશંસા ખુલ્લા દિલે કરતા. વસાણીભાઈએ કાંદિવલીના મટકાવાળાઓ વિશે 'જન્મભૂમિ'માં એક લેખમાળા લખી. ક્યાં, કોણ, કઈ રીતે અને કેટલા પાયે ગેરકાયદે મટકાના ધંધા ચલાવે છે એની વિગતવાર હકીકતો છાપીને એમનો રોષ વહોરી લીધો હતો. એ જમાનામાં એમને અનેક વખત મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વસાણીભાઈ આટલેથી અટક્યા નહિ. એમણે વાપી-દમણ વિસ્તારમાં તે સમયે ચાલતી સોનાની દાણચોરી વિશે પણ સંશોધનાત્મક અહેવાલના શિરમોર જેવી લેખમાળા પણ 'જન્મભૂમિ'માં લખેલી. આ અહેવાલ માટે તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ પત્રકારત્વ માટેનો તે વર્ષનો સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
પ્રદીપ તન્ના એકંદરે શાંત અને મૃદુભાષી વ્યક્તિ. પણ એમનું લેખન પણ એટલું જ ધારદાર ખેલકૂદ જગતમાં એમની જાણકારી અને જ્ઞાન વિશેષ. 'જન્મભૂમિ'માં એમણે વર્ષો સુધી ખેલકૂદ અને ખાસ કરીને ક્રિકેટ વિશે એક કટાર ચલાવી હતી. રિપોર્ટીંગ કેમ કરવું એ શીખવું હોય તો પ્રદીપ તન્ના પાસે જ શિખાય. મારા પત્રકારત્વની કારકિર્દીના આરંભના વર્ષો મેં બંનેની છત્રછાયા હેઠળ પસાર કર્યા એનું મને ગૌરવ છે.
આ બંને ઉપરાંત મલાડમાં વર્ષો સુધી રહેલા શ્રી રમેશ જાદવ 'જન્મભૂમિ-પ્રવાસી'માં રીપૉર્ટર તરીકે કામ કરતાં પત્રકારત્વ વિશે મને ઘણું શીખવા જાણવા મળ્યું. રમેશ જાદવ નવા શરૂ થયેલા સવારનાં દૈનિક 'જન્મભૂમિ-પ્રવાસી' (જે હવે બંધ થઈ ગયું છે)ના સમાચાર સંપાદક (ન્યૂઝ એડીટર) હતા. અગાઉ તેમણે તે સમયના 'જનશક્તિ'માં વર્ષો સુધી કામ કર્યું હતું. ગુજરાતી અખબારોમાં ખરેખર કોઈ સમાચાર સંપાદકને ન્યૂઝ સેન્સ હોય તો એમાં રમેશ જાદવનું નામ મોખરે મૂકવું પડે. આ કોઈ અતિશયોક્તિભર્યું કે ખુશામતભર્યું વિધાન નથી. અખબારમાં સહુથી કપરું કામ ન્યૂઝ એડીટરનું છે. દર મિનિટે ટેલિપ્રિન્ટર પરથી આવતા એકધારા સમાચારોના તાર જોતા રહેવું, એની તારવણી કરવી, કયા સમાચાર લેવા કે નહિ લેવા, કેટલા પ્રમાણમાં કયા પાને લેવા, એના મથાળા નક્કી કરવા અને સમગ્ર અખબારને લેઆઉટ, અને બીજા અનેક કામો સમાચાર સંપાદકે રોજેરોજ કુનેહપૂર્વક અને સમયની પાબંદીમાં રહીને કરવાના હોય છે. આ કામ કોઈ કાચાપોચાનું નથી. રમેશભાઈ સાચા અર્થમાં ન્યૂઝ એડીટર હતા. એક દૈનિક અખબાર તરીકે 'પ્રવાસી'એ પ્રારંભનાં તબક્કામાં મેળવેલી પ્રતિષ્ઠા મોટેભાગે રમેશભાઈની સમાચાર સંપાદનની સૂઝને આભારી છે. તેઓ સમાચાર સંપાદન કરવા ઉપરાંત પ્રવાસીમાં દર અઠવાડિયે વિજ્ઞાન વિષયક કટાર લખતા. જેમાં એમણે વિજ્ઞાનના વિષયોની સમજ અત્યંત સરળ અને રસપ્રદ શૈલીમાં આપવામાં સફળતા મેળવી હતી.
મલાડમાં બીજું પણ એક પત્રકાર કુટુંબ વર્ષોથી વસવાટ કરે છે. સ્વ. જયંતિ શુક્લ અને એમના પુત્ર મકરંદ શુક્લ. સ્વ. શ્રી જયંતિ શુક્લ અનેક વર્ષો સાંજના દૈનિક 'જન્મભૂમિ'ના તંત્રી રહી ચૂક્યા હતા. એમની સેવાઓની કદરરૂપે આજે મલાડ પશ્ચિમમાં બૉમ્બે ટૉકીઝ વિસ્તારમાં એક માર્ગને જયંતિ શુક્લ માર્ગ નામ આપવામાં આવ્યું છે. એમના દીકરા મકરંદ શુક્લ ગુજરાતી દૈનિક 'જનશક્તિ'માં વર્ષો સુધી કામ કરીને 'પ્રવાસી'ના ચીફ રીપૉર્ટર તરીકે જોડાયા હતા. અનેક વર્ષો સુધી એમણે નગરના રાજકારણ અને નાગરી સમસ્યાઓ વિષે ઉત્તમ કક્ષાનું રિપોર્ટીંગ કર્યું હતું.
'સંદેશ' દૈનિકની મુંબઇ સાપ્તાહિક પૂતિર્માં અનેક વર્ષો સુધી તેજાબી કલમે સનસનીખેજ અહેવાલ લખીને પ્રખયાત બનેલા સ્વ. શ્રી સુધીર માંકડ પણ વર્ષો સુધી બોરિવલીમાં વસવાટ કરતાં હતા. એજ પ્રમાણે 'જનશક્તિ' અને 'જામે જમશેદ' બંને અખબારોમાં વર્ષો સુધી વૃત્ત સંપાદક તરીકે કામ કરી ચૂકેલા શ્રી મનુભાઈ દવે પણ બોરિવલીમાં રહે છે. આ બંનેને ગુજરાતી પત્રકારત્વની સહુથી કલરફૂલ વ્યક્તિઓ ગણાવી શકાય. એમની સાથે અર્ધો પોણો કલાક પણ તેમને ગાળવા મળ્યો હોય તો એ ક્ષણો જિંદગીભર યાદ રહી જાય. આ બંને તદ્દન નિભિર્ક અને ગમે તેવા તીસમારખાને પણ શિંગડા ભરાવીને પછાડી શકે એવા હતા. પણ આ બંને પત્રકાર જગતમાં સહુથી ઓછી કદર અને ઓછું મૂલ્યાંકન પામનારી વ્યક્તિઓ રહ્યા છે.
છેલ્લા બે દાયકાથી અનેક નામી પત્રકારોએ મલાડ, કાંદિવલી, બોરિવલીને પોતાનું ઘર બનાવ્યું છે. જેમાં 'સમકાલીન'નાં તંત્રી જનક શાહ, 'અભિયાન'ના ભૂતપૂર્વ સંપાદક વિનોદ પંડ્યા અને અત્યારના સંપાદક રમેશ દવે, 'ગુજરાત સમાચાર' સાપ્તાહિક પૂતિર્ના સંપાદક ભાલચંદ્ર જાની, 'જન્મભૂમિ' સાપ્તાહિક પૂતિર્ના સંપાદક તરુબહેન કજરીયા, 'વ્યાપાર'ના તંત્રી રાજેશ ભાયાણી, મુંબઇ સમાચારના વિનીત શુક્લ, ત્રિવેણી આચાર્ય, 'ચિત્રલેખા'ના અજીત પોપટ, ભુતપૂર્વ અખબાર 'સમકાલીન'ના મેહુલ દાણી, બીમલ મહેશ્વરી (હાલ ચિત્રલેખા) 'ગુજરાતમિત્ર'ના ધર્મેશ ભટ્ટ વગેરે.
મોખરાના કટાર લેખકો:
કાંદિવલીએ ગુજરાતી પત્રકારત્વને ત્રણ ટોચના કટારલેખકો આપ્યા છે. આમાં સહુથી મોખરે શ્રી કાંતિ ભટ્ટ, પ્રાધ્યાપક નગીનદાસ સંઘવી અને ગિરીશ ગણાત્રા. કાંતિ ભટ્ટ અનેક વર્ષો સુધી કાંદિવલીમાં જ રહ્યા છે. એમણે 'અભિયાન' પણ કાંદિવલીમાંથી શરૂ કરેલું. છેલ્લા કેટલાક વર્ષોથી કાંતિ ભટ્ટે બોરિવલીના સાંઈબાબા નગરને પોતાનું ઘર બનાવ્યું છે.
ગુજરાતી પત્રકારત્વમાં સ્વતંત્ર કટારલેખક તરીકે કોઈ એક નામ લેવું હોય તો એ કાંતિ ભટ્ટનું જ હોઈ શકે. કોઈપણ અખબાર સાથે જોડાયા વગર સમગ્ર ગુજરાત અને મુંબઇના વાચકોની રુચિને કેળવવાનું કામ એમણે કર્યું છે. એમના વાંચનનો વ્યાપ અને એમની લોકભોગ્યતાને આંબી જવું એ બીજા કટારલેખકો અને પત્રકારો માટે અઘરું છે. કાંતિ ભટ્ટનું ખાસ મહત્વ એટલા માટે છે કે તેમણે વ્યવસાય તરીકે માત્ર પત્રકારત્વને જ સ્વીકાર્યું છે. એમણે માત્ર અખબારી લેખો લખીને જ નામના મેળવી છે. આજે પણ નવા અખબાર કે સામયિક શરુ કરનાર વ્યક્તિ પોતાના સાહસની સફળતા માટે કાંતિ ભટ્ટની કલમ ઉપર મદાર રાખવાનું પસંદ કરે છે.
એમના પત્ની શીલા ભટ્ટ પણ કાંદિવલીના વતની રહ્યા છે. હાલમાં તેઓ દિલ્હી જઈને વસ્યા છે અને રિડિફ કમ્યુનિકેશનના અમૅરિકાથી પ્રગટ થતા અખબારના ખાસ સંવાદદાતા છે. એમની સફળતા "કાંતિ ભટ્ટ સ્કૂલ ઑફ જર્નાલિઝમ"ને આભારી છે.
'ભારતીય રાજકારણ વિશે ઊંડી સૂઝ દર્શાવતી કટાર દ્વારા અનેક ગુજરાતી અખબારો અને સામયિકોને માતબર બનાવનાર પ્રો નગીનદાસ સંઘવી લગભગ ચાર દાયકા કાંદિવલીનાં ચાર બંગલા વિસ્તારમાં રહી ચૂક્યા છે. ગુજરાતી ભાષાના વિદ્વાનો તથા અભ્યાસી ચિંતકોમાં માં એમનું નામ મોખરે છે. તથ્યોની આધારભૂતતા સાથે ધારદાર રાજકીય સમાલોચન કરવું એ એમનું આગવું વૈશિષ્ઠ્ય છે. તેઓ વિલેપાર્લેની મીઠીબાઇ કૉલેજમાં રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસના સફળ પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા છે.
ઘણા ઓછા લોકોને ખબર હશે પણ પ્રખ્યાત કટાર લેખક સ્વ. ગિરીશ ગણાત્રા સાઠના દાયકામાં કાંદિવલીના તે સમયે છત્રી કારખાના નામે ઓળખાતા અને હાલના તુરખીયા પાર્ક વિસ્તારમાં રહેતા હતા. ગિરીશ ગણાત્રા એ સમયે ઓલ ઈન્ડિયા રેડિયોમાં બાળ વિભાગમાં કાર્યક્રમોનું સંચાલન અભિનેતા તરીકે નાટકોમાં પણ હાથ અજમાવી ચૂક્યા હતા. અત્યારે એમની નામના 'જન્મભૂમિ'ના ગોરસ અને 'મુંબઇ સમાચાર'ના જીવનશિલ્પની કટારને કારણે છે. પરંતુ ગિરીશ ગણાત્રાએ ગુજરાતી ભાષાને બાળ સાહિત્યની શ્રેષ્ઠ સાહસ કથાઓ અને અન્ય વિજ્ઞાન સંબંધી પુસ્તકો પણ આપ્યા છે.
લેખકો અને કવિઓ:
ખ્યાતનામ ગુજરાતી કવિ સ્વ. શ્રી વેણીભાઇ પુરોહિત અને સ્વ. શ્રી પ્રલ્હાદ પારેખ સાઠના દાયકામાં કાંદિવલીમાં રહેતા. વેણીભાઇ પુરોહિત વર્ષો સુધી જન્મભૂમિમાં સમાચાર સંપાદક રહી ચુક્યા હતા. સ્વ. પ્રલ્હાદ પારેખ એટલે ઋજુતાના કવિ. તેમણે બાળકાવ્યો પણ રચ્યા છે. પ્રલ્હાદ પારેખ ન્યુએરા સ્કુલમાં ભણાવતા અને ગુજરાતી રંગભૂમીના શ્રેષ્ઠ દિગ્દર્શક સ્વ. પ્રવીણ જોષીના શિક્ષક હતા.
આ લેખ આમ તો મિડીયા સાથે સંકળાયેલી વ્યક્તિઓ સંબંધી છે. પણ કવિ અને લેખકની વાત નીકળી છે તો ગુજરતી ભાષાના સહુથી લોકપ્રિય લેખક શ્રી વિઠ્ઠલ પંડ્યાનું નામ લખ્યા વગર ચાલે નહીં જ. ફિલ્મ દિગ્દર્શનના ક્ષેત્રમાં વર્ષો સુધી યોગદાન આપ્યા બાદ મુરબ્બી વિઠ્ઠલભાઇએ વ્યવસાયી નવલકથાકાર તરીકે બેજોડ ખ્યાતિ મેળવી છે. છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી વિઠ્ઠલભાઇએ કાંદિવલીને તેમનું ઘર બનાવ્યું છે. તેમણે ક્ટાર લેખકનો કસબ પણ એટલીજ ખૂબીથી નિભાવ્યો છે. ફિલ્મ જગતના તેમના સંસ્મરણો “અસલી નકલી ચહેરા” પુસ્તક તરીકે બેસ્ટસેલર બન્યું તે પહેલાં સમકાલીનમાં એક કટર તરીકે ખુબ ગાજ્યું હતું. તેમના કવિ પુત્ર શ્રી સંજય પંડ્યા પણ કાંદિવલીમાં વસવાટ કરે છે.
“પ્રકાશનો પડછાયો” અને “પ્રતિનાયક” જેવી ઐતિહાસિક નવલકથાઓ આપનાર પીઢ સાહિત્યકાર શ્રી દિનકર જોશી પાંચ દાયકાથી કાંદિવલીમાં રહે છે. કાંદિવલીનો ઇતિહાસ એમને મોઢે છે. તેઓ માત્ર આ નગરને ઓળખે છે એવું નથી, નગરના અનેક નામી અનામી વ્યક્તિઓ, કુટુંબો અને તેમના જીવનપ્રવાહને તેમણે નજદીકથી નિહાળ્યો છે. તેમની એક નવલકાથા “એકડા વગરના મીંડા” કાંદિવલીમાં આકાર લ્યે છે.
અનેક યુવાન કવિઓ અને વાર્તાકારો મલાડ, કાંદિવલી, બોરીવલીમાં વસે છે. આમ તો આ યાદી ઘણી લાંબી થાય પણ નોંધ પાત્ર નામો ગણાવવા હોય તો મનોજ શાહ, હિતેન આનંદપરા, દિલિપ રાવળ અને આશા પુરોહિત નોંધપાત્ર છે. વાર્તાકાર શ્રીમતી ઇન્દુબહેન કે. ડી. મહેતા મલાડમાં રહે છે.
વ્યવસાયી પત્રકોરોની ભૂમિ:
જનશક્તિમાં વૃત્ત સંપાદક તરીકે કામ કરી ચૂકેલા શ્રી અવંતિ દવે પણ વર્ષો સુધી બોરીવલીમાં રહેતાં હતાં. 1963માં જનશક્તિ અખબારમાં જોડાઈને પત્રકારત્વની કારકિર્દીનો આરંભ કર્યો. સાહિત્ય મંગલ શીર્ષક હેઠળ પ્રગટ થતી કટારમાં એમણે અનેક લોક્પ્રિય પુસ્તકોના વિવેચનો કર્યાં. ગ્રંથ સામયિકમાં પણ તેમણે કામ કર્યું. આકાશવાણી પર ગુજરાતી વિભાગમાં ગ્રંથનો પંથ નામે વિવેચનનો રેડિયો કાર્યક્રમ પણ તેમણે વર્ષો સુધી આપ્યો. ગુજરાતી ભાષાના સારા વિવેચકોમાં એમની ગણના થતી.
અવંતિ દવે વિષે એક પ્રસંગ નોંધવા જેવો છે. એ સમયમાં સાહિત્યના પાના પર પ્રગટ થયેલા એમના પુસ્તકાવલોકન સંબંધે પહેલી જ વાર દિનકરભાઇ જોષી એમને મળવા જનશક્તિમાં ગયા. "અવંતિ એટલે કોણ, કેવી અને કેવડી મહિલા હશે એ વિશે મનમાં પાર વિનાના વિચારો ચાલતા હતાં. પણ અવંતિને જ્યારે મળ્યા ત્યારે પેલા વિચારોને ધક્કો લાગ્યો. આમ છતાં અવંતિનો જે નવો પરિચય થયો એનો આનંદ પણ ઓછો નહોતો. ઋજુતા, માર્દવતા, સૌમ્યતા અને સ્નેહ આને જો સ્ત્રૈણ ભાવ કહેવાતા હોય તો આ બધા જ ભાવ મને અવંતિ દવે પાસેથી પહેલી જ મુલાકાતે સાંપડ્યા હતાં." આવો જ અનુભવ વિઠ્ઠલ પંડ્યા અને ચંદુલાલ સેલારકાએ પણ વર્ણવ્યો છે.
માત્ર પત્રકારો અને રિપોર્ટરો જ નહીં પરંતુ અખબાર માલિકો પણ કાંદિવલીને મળ્યા છે. ‘અભિયાન’ સામાયિકના સ્થાપક અને ઊદ્યોગપતિ શ્રી અવિનાશ પારેખ મલાડમાં મોટા થયા અને કાંદિવલીને તેમનું વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર બનાવ્યું. દર મહિનાના પહેલા રવિવારે સાહિત્ય અને સાહિત્યકારો સાથે ગપ્પા ગોષ્ઠીની જેવી તેમની ‘કોફી મેટ્સ’ સાહિત્ય સંચારની પ્રવ્રુત્તે ને મકાબોમાં અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે.
તેજ પ્રમાણે પત્રકાર, પટકથા લેખક અને ‘કાંદિવલી ટાઉન ઓબ્ઝર્વર’ના પ્રકાશક-સંપાદક હેમાંગ પ્રમોદ તન્ના પણ કાંદિવલીના જ છે.
વ્યવસાયી પત્રકાર તરીકે કામ કરનાર કેટલીક અન્ય પીઢ વ્યક્તિઓ કાંદિવલીમાં રહે છે એમાં મુંબઇ સમાચારમાં વર્ષો સુધીની કારકિર્દી બાદ નિવૃત્ત થનાર દિનેશભાઇ રાવલનું મુખ્ય છે. તેઓ મુંબઇ સમાચારમાં ઉપ-મુખ્ય સમાચાર સંપાદક તરીકે કાર્ય કરતા હતાં. હાલ તેમના પુત્ર અતુલ રાવલ પણ મુંબઇ સમાચારમાં જ પત્રકાર તરીકે કાર્ય કરી રહ્યાં છે. મુંબઇ સમાચારના બીજા એક ઉપ-મુખ્ય સમાચાર સંપાદક પણ કાંદિવલીમાં રહે છે અને એ છે મહેન્દ્ર પુનાતર. વાચકો સુધી દરરોજ સમગ્ર અખબાર સુપેરે પહોંચાડવાની જવાબદારી ઉપ-મુખ્ય સમાચાર સંપાદક (એટલે કે ચીફ-સબ-એડીટર) ની હોય છે. તંત્રીની જવાબદારી વહન કરવાનું કામ આ લોકો કરે છે. તંત્રીઓ મોટે ભાગે માત્ર સંપાદકીય લેખ લખતા હોય છે અને ક્યારેક કોઈક સમારંભમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપતા હોય છે. સારા ચીફ-સબ-એડીટર વગર કોઈ અખબાર લાંબો સમય ટકી શકે નહીં એ આ બંને વ્યક્તિ વિશે વાત કરતાં અહીં નોંધવું જોઈએ.
વાણિજ્ય પત્રકારત્વના બે મોટા નામો કનુભાઇ મોદી (જન્મભૂમિ) અને શાંતિલાલ શેઠ (મુંબઇ સમાચાર) પણ કાંદિવલીના છે. એજ પ્રમાણે જ્યોતિષની ક્ટાર દ્વારા લોકપ્રિય બનેલા હરિહર પંડિત મહેસાણાવાળા અને એમના પુત્ર જિતેન મહેસાણાવાળાનું કુટુંબ બોરીવલીના જૂના અને જાણીતા નામ વાળું ગણાય.
આ લેખમાળા કોઈ પત્રકાર યાદી કે મિડીયા ડિરૅક્ટરી નથી છતાં સાંપ્રત સમયમાં અનેક યુવા પત્રકારો પણ મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં આવીને વસ્યા છે એ નોધવું જોઈએ. આમાં મુંબઇ સમાચારના રીપૉર્ટરો ગીતા પંડ્યા, નંદિની ત્રિવેદી અને કૃષિક રાવ, ફોટોગ્રાફર નિકૉલસ યાર્ડે; જન્મભૂમિના આશા ગોસ્વામી, સરોજ પોપટ અને ફોટોગ્રાફર ત્રિભુવન તિવારી; ગુજરાત સમાચારના વિકાસ વાડીકર, મિડ-ડેના અજય મોતીવાલા, ચિત્રલેખાના વર્ષા પાઠક અને હિરેન મહેતા તથા અભિયાનના રમેશ દવે એમના નોંધપાત્ર કાર્ય દ્વારા જાણીતા થયા છે. ફ્રીલાંસ પત્રકાર અને લેખિકા નીલા સંઘવી દાયકા પહેલાં તેમના પ્રિય ‘સી’ વોર્ડને છોડી કાંદિવલીમાં સ્થાયી થયા છે.
ફરી આકાશવાણી:
પોતાના સુંદર અવાજને કારણે નોંધપાત્ર બની ગયેલી બે વ્યક્તિઓ પણ કાંદિવલીમાં રહે છે. આ બન્ને આકાશવાણીમાં કામ કરે છે. 'મેં એક બિલાડી પાળી છે'ની રચનાથી જાણીતા થયેલા ગુજરાતી કવિ ત્રિભોવન વ્યાસના દીકરા શ્રી વિનાયક વ્યાસે દાયકાઓ સુધી આકાશવાણીના ગુજરાતી વિભાગના ઉદ્ઘોષક તરીકે કામ કર્યું છે.ગુજરાતી ઉદ્ઘોષકો માં તેમનો અવાજ સૌથી આગવો રહ્યો છે. વર્ષોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં એમનો અવાજ આજે પણ લોકો સાંભળે તો એમને પરિચિત લાગશે. એજ પ્રમાણે વિનાયક વ્યાસની આકાશવાણી પરથી નિવૃત્તિ પછી તેમની કામગીરી હાલમાં સંભાળી રહેલા શ્રી મહેશ શાહ પણ કાંદિવલીમાં રહે છે. તેઓ એક અચ્છા કવિ પણ છે.
આકાશવાણીના એક સમયના સ્ટેશન ડિરેક્ટર, ગિજુભાઇ વ્યાસ, નિવૃત્તિ પછી કેટલોક સમય કાંદિવલી આવીને વસ્યા હતાં. થોડાંક સમય પહેલાં જ નિવૃત્તિ લેનાર આકાશવાણીના બીજા સ્ટૅશન ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન વ્યાસ પણ હાલમાં કાંદિવલીના મહાવીર નગરમાં આવીને વસ્યા છે. આમ આકાશવાણીના ગુજરાતી વિભાગમાં કામ કરતી અનેક વ્યક્તિઓને કાંદિવલી, બોરીવલી સાથે ખાસ લેણું રહ્યું હોય એવું લાગે છે. આકાશવાણીમાં સાઉન્ડ રેકોડિર્સ્ટ (ધ્વનિ મુદ્રક) તરીકે અનેક દાયકાઓ સુધી કામ કરનાર શ્રીયુત માંકડ પણ કાંદિવલીમાં રહેતાં. આમ જોવા જાવ તો આકાશવાણીનો સમગ્ર ટૅક્નીકલ વિભાગ જ અનેક દાયકાઓથી મલાડ અને હાલમાં બોરીવલીમાં સ્થિત છે એ વાત ઓછી જાણીતી છે. આકાશવાણીના ટ્રાન્સમીશન ટાવરો, માર્વે રોડ પર કોઈ રિસોર્ટ કે ફિલ્મ શુટીંગના બંગલાઓ માટે જાણીતો થયો એ પહેલાંથી ત્યાં વસેલા છે. આકાશવાણીનું નવું અનુશ્રવણ વિભાગ હાલ બોરીવલીના ગોરાઇ ખાતે કામ કરી રહ્યું છે.
આમ મલાડ, કાંદિવલી અને બોરીવલીનો મિડિયા ટાઉન હોવાનો દાવો માત્ર કેટલીક વ્યક્તિઓ અહીં ઘર બનાવીને વસી છે એ પૂરતો જ સીમિત નથી. પ્રસાર માધ્યમો અને મનોરંજન સાથે સંકળાયેલી અનેક માતબર સંસ્થાઓ પણ અહીં છે. દંતકથા સમી બની ગયેલી આવી જ કેટલીક સંસ્થાઓ, જેમકે બૉમ્બે ટૉકીઝ, મેગ્ના પબ્લીશીંગ, ટાઇમ્સ ઓફ ઇંડિયા, સકાળ ઇત્યાદી વિશે આપણે પછીના ‘બ્લોગ’માં વાત કરીશું.
અને પછીના લેખમાં નાટ્યકારો અને અભિનેતાઓની વાત કરીશું.
[This article was first published in “Kandivali Town Observer,” three years ago. I have published it on the web because it is still relevant and informative. I am aware that it is not exhaustive and complete. Many prominent names are missing. If you know anyone who is worth mentioning about in this blog please leave your comment and I will update the article. Your comments are welcome.]
3 comments:
very good post.
gives a glimpse of old time popular names. Keep up the good work. I specially announced your blog on my blog.
You can visit my gujarati blog at
http://drsiddharth.blogspot.com
regards,
Siddharth
વાંચી આનંદ થયો. સરસ શરૂઆત કરી છે. પ્રારંભશૂરા થઈ અટકી ન જશો. મકાબો વેબ્લોગમાં વધુ હકીકત ઉમેરતા રહેજો. સાથે સમગ્ર ગુજરાતી પત્રકારત્વ અને પત્રકારો વિશે લખતા રહેશો. શ્રી વેણીભાઈ ઘાટકોપર નિવાસી હતા એવો મારો ખ્યાલ છે. તેઓ કાંદિવલી રહી ગયા હતા એ જાણી નવાઈ લાગી.
-ભાનુભાઈ સંઘવી
કાંતિ ભટ્ટે કુદરતની વિરુધ્ધનું કાર્ય કર્યં એટલે એના પાપોની સજા અત્યારે એકાંતમાં ભોગવી રહ્યા છે.
સૌથી પહેલા તો પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા. પછી બાવન વર્ષે પોતાની દિકરીની ઉમંરની શીલા ઝવેરી સાથે લગ્ન કર્યા.
અત્યારે એમની બીજી પત્ની પણ છોડી ગઈ અને કુદરતે એમની પુત્રી પણ છીનવી લીધી.
પત્રકાર તરીકે પોતાનું કંઈ પણ મૌલિક ન આપતા બસ અંગ્રેજી પુસ્તકો અને લેખોમાંથી ઉઠાંતરીજ કરી છે.
Post a Comment