Friday, February 03, 2006

Noam Chomsky

નોઆમ ચોમ્સ્કી: એક પરિચય

એક ક્ષણ માટે એમ વિચારો કે તમે અત્યારે જે વાક્ય વાંચી અને સમજી રહ્યા છો તે આ અગાઉ તમે ક્યારેય વાંચ્યું કે સમજ્યા નથી. હવે એમ વિચારો કે દિવસ દરમિયાન સેંકડો વાર તમે છેલ્લા વાક્ય કરતાં અનેક ગણા મુશ્કેલ વાક્યો વાંચો અને સમજો છો. આટલી ઉચ્ચ કક્ષાની બુદ્ધિ અને સર્જનાત્મકતા, જે દરેક માનવી પાસે પૂર્ણ પણે છે, કઈ રીતે સમજાવી શકાય? નોઆમ ચોમ્સ્કી કહે છે કે "આપણે બધા ભાષા લઈને જન્મ લઈએ છે. ભાષા માનવીના મગજમાં વણાયેલી છે."

માનવીનું મગજ કઈ રીતે ભાષાનું સર્જન કરે છે એ વૈજ્ઞાનિક સત્ય અમૅરિકન ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કી જાણે છે. સાંપ્રત ભાષાવિજ્ઞાન (લિંગ્વીસ્ટીક્સ)ની બધી જ શાખાઓ તેમણે પિસ્તાળીસ વર્ષ અગાઉ લખેલા સંશોધન ગ્રંથ ‘સિન્ટેટીક સ્ટ્રક્ચર’ થી શરૂ થાય છે. તેમની ગણના ભાષાના આઇન્સ્ટાઇન તરીકે થાય છે. તેમના વિચારોનો પ્રભાવ ભાષાના શિક્ષણથી લઈને બૌદ્ધિક પ્રચાર દ્વારા થતા આર્થિક અને રાજકીય શોષણ સુધીના વિષયો પર પડ્યો છે. આવા ધારદાર વિચારક, વક્તા અને અમૅરિકાના સહુથી મોટા રાજકીય વિરોધક નોઆમ ચોમ્સ્કી ભારતમાં અનેક વાર આવ્યા છે પરંતુ મુંબઇ આવ્યા નથી.

અમેરીકી વિસ્તારવાદ, આર્થિક ઉદારીકરણ, ગ્લોબલાઇઝેશન અને સામાજિક વ્યવસ્થાઓના બજારીકરણનો વિરોધ કરતા વિચારો જો પશ્ચિમના દેશોમાં પણ ગુંજતા થયા હોય તો એનું સહુથી મોટું શ્રેય પંચોતેર વર્ષના નોઆમ ચોમ્સ્કીને જાય છે.

લાખો લોકો જેમના ‘સ્ટેંડીંગ રુમ ઓનલી’ વ્યાખ્યાનો સાંબળી ચુક્યા છે એવા ચોમ્સ્કી પોતાના વતન અમૅરિકામાં જ 'આઉટસાઇડર' છે. ચોમ્સ્કી જગવિખ્યાત મિશિગન યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજી (એમ.આઈ.ટી)માં છેલ્લા ચાળીસ વર્ષથી ભાષાવિજ્ઞાન શીખવે છે. તેમણે સિત્તેરથી પણ વધારે પુસ્તકો લખ્યા છે જેમાંના મોટા ભાગના રાજકારણ અને ખાસ કરીને અમૅરિકાની વિદેશ નીતિ પર છે. તેમણે સેંકડો લેખ લખ્યા છે. તેમના પ્રવચન માટે દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ બે કે ત્રણ વર્ષ અગાઉથી આયોજન કરે છે. અનેક અખબારો અને સામયિકો તેમની ફોન દ્વારા મુલાકાત માટે અગાઉથી સમય લઈ રાખે છે. તેમના પ્રવચનોમાં પહેલેથી બેસવાની જગ્યા નહીં મળે એવી જાહેરાત થતી હોય છે. છતાંય ઊભા રહીને સાંભળવા માટે લોકોની ભીડ જામે છે. અમૅરિકાના ગ્રંથપાલો અને પ્રકાશકો સ્વીકારે છે કે નોઆમ ચોમ્સ્કી અમૅરિકાના સહુથી ઉલ્લેખનીય લેખક (મોસ્ટ સાઇટેડ ઓથર) છે. પરંતુ અમૅરિકાના મોટા અખબારો અને ટીવી નૅટવર્ક (મેઇનસ્ટ્રીમ મિડિયા) ચોમ્સ્કીને ટાળે છે. અમૅરિકાની વિદેશનિતીના સૂત્રધારો અને અમલદારો તેમના નામથી ભડકે છે અથવા તેમની સામે આગ ઓકે છે. અમેરિકી વિદેશ સચિવ ક્રીસ્ટીના રોકાએ બે વર્ષ પહેલાં પત્રકારોને ગુસ્સે થઇને કહ્યું કે મેં ચોમ્સ્કીને વર્ષો પહેલાં વાંચવાનું બંધ કરી દીધું છે.

આનું મુખ્ય કારણ ચોમ્સ્કીની રાજકીય વિચારધારા છે. ખાસ કરીને અમેરિકાની વિદેશ નીતિ અને અન્ય દેશો પર પડતી તેની ગંભીર અસરની આકરી ટીકાને કારણે તેઓ તેમના જ દેશના રાજકીય અને બૌદ્ધિક વર્તુળોમાં અપ્રિય થયા છે. ભાષાશાસ્ત્રી તરીકેની કારકિર્દી ચરમ સ્તર પર હતી ત્યારે તેમણે વિયેટનામ યુદ્ધના વિરોધમાં સત્યાગ્રહ કરી જેલ વોહરી લીધી. 1969માં ‘અમૅરિકન પાવર એન્ડ ધ ન્યુ મેન્ડેરીન્સ’ પુસ્તક દ્વાર ચોમ્સ્કીએ તબીબ જેવી ચોક્કસ અને ધારદાર કલમથી પુરવાર કર્યું અમૅરિકાની સરકારને માનવીય અધિકારો, લોકશાહીનું રક્ષણ અને ન્યાયી રાજતંત્ર જેવા નૈતિક ધ્યેયો કરતાં વ્યાપારી નફો કમાવવામાં જ વધુ રસ છે. ત્યારબાદ અનેક પુસ્તકો, લેખો અને પ્રવચનોમાં ચોમ્સ્કીએ અમેરિકી સમવાયતંત્રમાં ઉચ્ચ સ્તરે ઉપયોગમાં લેવાતાં રાજકીય જુઠ્ઠાણાઓ અને દંભી વિદેશ નીતિને એકધારી રીતે ઉઘાડી પાડી. એક સમયે ન્યુ યૉર્ક ટાઇમ્સે તેમના એક પુસ્તકનું વિવેચન કરતાં લખ્યું કે "તાકાત, વિશદતા, નવીનતા અને વિચારોના પ્રભાવની દ્રષ્ટિએ જાેતાં નોઆમ ચોમ્સ્કી કદાચ અમૅરિકાના સહુથી મહત્વના જીવંત વિચારક છે. તો પછી અમૅરિકાની વિદેશ નીતિ માટે તેઓ આટલું ગંદુ કેમ લખે છે?" ત્યાર પછીના એમના બધાંજ પુસ્તકો વિષે અમૅરિકાના લગભગ દરેક મોટા અખબાર અને ટેલિવિઝન નેટવર્કે ચુપકીદી સેવી છે. ચોમ્સ્કી કહે છે કે જો "તેઓ મારા વખાણ કરતાં હોત તો મને ચોક્કસ લાગ્યું હોત કે હું કશું ભયંકર ખોટું કરી રહ્યો છું."

ચોમ્સ્કીની વિચારધારાના કેંદ્ર સ્થાને રહેલો તર્ક એ છે કે સરમુખત્યારશાહીમાં હિંસાનું જે સ્થાન છે તે જ સ્થાન લોકશાહીમાં પ્રચાર (પ્રોપેગન્ડા)નું છે. તેઓ કહે છે "અમૅરિકામાં તમારે નેશનલ ગાર્ડથી ડરવાની જરૂર નથી. સરકારી, વ્યાપારી અને શૈક્ષણિક વર્તુળો દ્વારા થતી વિચારોની અફડાતફડી (મેનીપ્યુલેશન ઓફ થોટ)થી સાવધ રહેવું જાેઇએ." તેમના કહેવા પ્રમાણે અમૅરિકાની રાજકીય વ્યવસ્થા જેમની પકડમાં છે એ ઉચ્ચ વર્ગ પોતાની ભીંસ જાળવી રાખવા, જુદી કે વિરોધી વિચારધારા ધરાવતા લોકોને 'હાંસિયામાં હડસેલી' દે છે અથવા એમને ખરીદી લે છે.

તેમની જલદ વિચારધારાને હંસી કાઢતા લોકોને ચોમ્સ્કી કહે છે કે માનવી સામાન્ય રીતે જુઠ્ઠાણાઓને નહીં માનવા ટેવાયેલો છે. "પરંતુ જો તમે થોડી ઘણી પણ સત્તા કે વગ ધરાવતા હો, પછી ભલે એ માત્ર તમારા બાળકો પર હોય, તો તમને ટૂંક સમયમાં જ સમજાઈ જશે કે લોકોને કાબૂમાં રાખવા માટે તમારે એમના દિમાગ અને વિચારો પર જ કાબૂ મેળવવો પડે છે. આનો અર્થ એમ થયો કે દરેક મહત્વની વ્યક્તિ ઓછે વત્તે અંશે કોઈક પ્રકારના પાઠ ભણાવવાની કે વિરોધીઓને ઓછા પાડવાની પ્રવૃત્તિમાં જ રાચતી હોય છે."

ચોમ્સ્કીના વિચારોના મૂળમાં એમની ભાષાવિજ્ઞાનની ફિલસૂફી ઝળકે છે. તેઓ માને છે કે સ્વ-સિદ્ધિ અને સ્વાયત્તતાની વૃત્તિ માનવાની પ્રકૃતિના કેંદ્રમાં છે. માનવ જેમ ભાષા લઈને જન્મે છે તે જ રીતે બહારના પરિબળોની શેહમાં આવ્યા વિના આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને કલાત્મક અભિવ્યક્તિ હાંસલ કરી શકે છે. તેઓ બટ્રાંડ રસેલ અને ગાંધીને પોતાના આદર્શ માને છે. તેઓ સામ્યવાદી નથી અને તેમણે માર્ક્સવાદને નકાર્યો છે. 1917ની બોલ્શેવિક ક્રાંતિને તેઓ સમાજવાદી વિચારધારાની સહુથી મોટી નિષ્ફળતા ગણે છે, જેમાંથી તે ક્યારેય બેઠું નહીં થઇ શક્યું. તેઓ કહે છે કે પુંજીવાદ અને સામ્યવાદ બંને સત્તાધારી વર્ગો દ્વાર અસહાય લોકોનું શોષણ કરવાના બે જુદા માર્ગ છે.

ઈરાકી નેતા સદ્દામ હુસેન અમૅરિકાની અન્ય દેશોનું શોષણ કરવાની વિદેશનિતીમાં સહુથી મોટો ભાગીદાર છે અને દુનિયાભરમાં અમૅરિકા આવા અનેક સરમુખત્યારોને સહારો આપે છે એવું એમણે દાયકા પહેલાં કહ્યું હતું.

સપ્ટેંબર 11ના બનાવ પછી અફઘાનિસ્તાનમાં લોકશાહીનું રક્ષણ કરવામાં અમેરીકન વહીવટીતંત્ર હવે ખરેખર હકારાત્મક અને રચનાત્મક વલણ અપનાવી રહ્યું છે એ અંગે તમે શું કહેવા માંગો છો એવા એક પ્રશ્નનો જવાબ આપતાં ચોમ્સ્કીએ કહ્યું, "એક વખત એમ. કે. ગાંધીને કોઈકે પૂછ્યું હતું કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તમે શું વિચારો છો? ત્યારે ગાંધીએ જવાબ આપ્યો હતો કે આ એક સારો આઇડિયા હોઈ શકે (ઈટ વીલ બી અ ગુડ આઈડિયા). હું પણ અમૅરિકાની બદલાયેલી વિદેશ નીતિ વિષે આમ જ માનું છું."
નોઆમ ચોમ્સ્કી વિષે એક અમૅરિકન લેખકે કહ્યું છે કે "આવા માણસો ખતરનાક હોય છે. તેમનું ન હોવું એ મોટી આફત છે." ગ્લોબલાઇઝેશનના યુગમાં નોઆમ ચોમ્સ્કીને સાંભળ્યા કે વાંચ્યા વગર માનવીય સ્વાતંત્ર્ય, સ્વાયત્તતા, પ્રગતિ અને બૌધ્ધિક નિર્ભયતા વિષેના વિચારો અધુરા રહી જવાની સંભાવના છે.

- - - - - - - - - - - -    

No comments: