ગગનચાંદનું ગધેડું
બાલભારતી કાંદિવલીના બાળકોએ ભજવ્યું ધીરુબહેન પટેલ લિખિત નાટક ગગનચાંદનું ગધેડું.
“બાળક જેવા બનીએ અને બાળકની દુનિયામાં પ્રવેશીએ ત્યાર બાદ જ બાળસાહિત્યનું સર્જન શક્ય બને છે. મારું આ બાળનાટક ‘ગગનચાંદનું ગધેડું’ લખાયા બાદ વર્ષો સુધી એની પ્રત ખૂણામાં પડી રહી, કદાચ પસ્તીમાં પણ જાત... પણ એક સ્વજનના આગ્રહથી એ નાટક છપાયું અને બાળકોમાં પ્રિય પણ થયું!” લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, વાર્તાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે હાલમાંજ બે વર્ષની કારકિર્દી પૂરી કરનાર લેખિકા ધીરુબહેન પટેલે આમ કહ્યું હતું.
તેઓ મુંબઇના કાંદિવલીની બાલભારતી સંસ્થાની સુવર્ણજયંતીની ઉજવણી પ્રસંગે ભજવાયેલ તેમના બાળનાટક ‘ગગનચાંદનું ગધેડું’ના પ્રયોગ દરમિયાન અતિથિવિશેષ તરીકે બોલી રહ્યાં હતાં. બાલભારતીના અઢાર બાળકોએ આ નાટક ભજવ્યું ત્યારે પ્રેક્ષકોમાં ધીરુબહેન પટેલ ઉપરાંત જાણીતા સર્જકો દિનકર જોશી, વિઠ્ઠલ પંડ્યા, જયંતી એમ. દલાલ, પ્રિયકાંત પરીખ, બકુલ રાવળ, વાર્તાકાર મિનાક્ષીબેન દિક્ષીત, ઇન્દુબહેન કે. ડી. મહેતા, કવિ મહેશ શાહ, કેળવણીકાર ભાલચંદ્રભાઇ ત્રિવેદી અને જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ હાજરી આપી હતી.
અતિથિ શ્રી દિનકરભાઇ જોશીએ કહ્યું કે પથ્થરમાંથી નકામો કચરો કાઢીનાખો એટલે એની અંદર રહેલી મૂર્તિ આપોઆપ દેખાઇ આવે છે. આ કામ કોઇ શિલ્પકાર જ કરી શકે. બાળકોમાં પણ અદભૂત શક્તિઓ છુપાયેલી હોય છે અને એની આસપાસ રહેલો કચરો દૂર થતાં એમની અંદર રહેલી રચનાત્મકતા ખીલી ઉઠે છે. આ સંસ્થાના સ્થાપક પ્રમોદભાઇ તન્ના આવા જ એક શિલ્પી હતા એનો મને પોતાને વ્યક્તિગત અનુભવ છે.
કાર્યક્રમની પરિકલ્પના તૈયાર કરનાર હેમાંગ પ્રમોદ તન્નાએ કહ્યું કે ગગનચાંદનું ગધેડું નાટકમાં એમ પાત્ર કહે છે “જેને આવડે તેને તો સહુ શિખવાડી શકે પણ જેને ના આવડતું હોય એને પણ શિખવાડી શકે એને જ ખરો જાદુગર કહેવાય.” અમે ક્યારેય મંચ પર ઉભા ન થયા કે નાટ્યની તાલીમ પણ ક્યારેય લીધી હોય અને વર્ગમાં પણ બોલવામાં ખંચકાટ અનુભવતા હોય એવા બાળકો પાસે માત્ર 23 દિવસમાં આ નાટક તૈયાર કરાવીને અવો જ જાદુ કરવાનો પ્રયાસ કર્યો છે.
કાર્યક્રમનું સંચાલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું. બાલભારતીના માનદ મંત્રી ધર્માંશુભાઇ મર્ચંટે અતિથિઓનું સ્વાગત કર્યં હતું.
No comments:
Post a Comment